Follow Us on Social Media:

APOLLO LIFELINE  International: +91-840 180 1066

Gallstones Symptoms and Treatment – Apollo Hospital Ahmedabad

પિત્તાશયની પથરીનો રોગ

અવલોકન:

પિત્તાશય (ગોલ બ્લેડર) એક કોથળી જેવું અંગ છે જે લિવરની નીચેની બાજુ બાઈલ ટ્યુબની સાથે જોડાયેલું હોય છે. સામાન્ય રીતે પિત્તરસ લિવરમાંથી સ્ત્રાવિત થયા પછી પિત્તાશયમાં સંગ્રહિત થાય છે અને તે ચરબીયુક્ત અથવા વધુ ખોરાકને પચાવવા માટે તે આંતરડામાં પ્રવેશે છે. જ્યારે પિત્તાશય સંપૂર્ણપણે ખાલી ન થાય ત્યારે ક્ષાર જમા થાય છે અને આખરે પથરીમાં પરિણમે છે. સમયની સાથે પથરીની સંખ્યા અને કદ વધે છે. તેથી પિત્તાશયમાં વિવિધ કદની એક કે તેથી વધુ પથરી હોઈ શકે છે.

જ્યારે પિત્તાશયમાં પથરી જમા થાય ત્યારે તે બાઈલ ટ્યુબમાં પ્રવેશ કરવા કોશિશ કરે છે અને ત્યારબાદ નાના આંતરડામાં જાય છે. લક્ષણો અને કોમ્પ્લિકેશન્સનું સ્તર આ ઉત્પન્ન થયેલી પથરીઓના પ્રમાણ અને તેના કારણે સર્જાયેલા અવરોધના સ્તર પર નિર્ભર હોય છે.પિત્તાશય દૂર કરવાથી સમસ્યા દૂર થાય છે.

કારણો:

પિત્તાશયની પથરી ત્યારે સર્જાય છે જ્યારે પિત્તમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘણું વધારે હોય અથવા તો લોહીના કોઈ રોગથી બિલિરૂબિન વધુ માત્રામાં હોય અથવા વૃદ્ધાવસ્થામાં, મહિલાઓમાં હોર્મોનની અસરો, હાયપોથાયરોડિઝમ, ડાયાબિટીસ, ગર્ભાવસ્થા વગેરે પરિસ્થિતિમાં પિત્તાશય સંપૂર્ણપણે ખાલી ન થાય તો પીત્તાશાયની પથરી થઇ શકે છે.

જોખમી પરિબળો:

જે પરિબળો પિત્તાશયની પથરીનું જોખમ વધારે છે તેમાં મહિલા હોવું, બેઠાડું જીવન, 40-50 વર્ષની વય, લોહી સંબંધિત રોગ, હાયપોથાઈરોઈડ, ગર્ભાવસ્થા, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, ફાઈબર ઓછું હોય એવો ખોરાક, પિત્તાશયની પથરીનો પારિવારીક ઈતિહાસ, કેટલાક લોહી સંબંધિત રોગ, લિવરના રોગ, ખૂબ ઝડપથી વજન ઘટવું અને કેટલીક દવાઓ સામેલ છે.

લક્ષણો:

  • પિત્તાશયની પથરી ધરાવતા અનેક લોકોને કોઈ લક્ષણો અનુભવાતા નથી અને હેલ્થ ચેક કે અન્ય કોઈ કારણસર સોનોગ્રાફી કરાવતી વખતે આકસ્મિક રીતે જ પિત્તાશયની પથરી હોવાનું જાણવા મળે છે.
  • જ્યારે લક્ષણો હોય તેમાં પિત્તાશયની પથરીના લીધે અનેક લક્ષણો જોવા મળે છે જેમાં પાચન થવામાં સામાન્ય તકલીફથી શરૂ કરીને ગંભીર રીતે પેટમાં દુઃખાવો થવો સામેલ છે. જમણી બાજુ પેટમાં દુઃખાવો, એસિડીટી જેવા લક્ષણો, છાતીમાં બળતરા, જમણા ખભામાં દુઃખાવો, શોલ્ડર બ્લેડસ વચ્ચે પીડા, ઉબકા આવવા, ઉલટી થવી, ઓડકાર આવવા વગેરેમાંથી કોઈ એક કે એકથી વધુ લક્ષણો જોવા મળે છે. આ સાથે તાવ, અકડાઈ જવું, કમળો કે પીઠનો દુઃખાવો વગેરે બીજા કોમ્પ્લિકેશન્સ હોય તો તેની સાથે હોઈ શકે છે.

કોમ્પ્લિકેશન્સ:

જો પથરીના કારણે પિત્તાશયનું મુખ અવરોધાય છે તો તેનાથી જે સ્થિતિ ઉત્પન્ન થાય તેને મ્યુકોસીલ કહે છે જેનાથી અતિશય પીડા થાય છે અને તેમાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. જો તેમાં ચેપ લાગે તો તે પિત્તાશયના એમ્પયેમાંમાં પરિણમે છે જેનાથી ખૂબ તાવ આવે છે અને વ્યક્તિને નબળાઈ વધે છે. જો સારવાર ન થાય તો તેનાથી પિત્તાશયમાં ગેન્ગ્રીન થઈ શકે છે જેના કારણે તે ફાટી જઈ શકે છે. આ તમામ જીવલેણ સ્થિતિઓ છે અને તેમાં તાત્કાલિક સારવારની જરૂર પડે છે. જો પથરી બાઈલ ટ્યુબમાં અટવાઈ જાય તો ત્યારે પીડા, તાવ અને કમળો થઈ શકે છે. જો પથરી એવી જગ્યાએ અટકી જાય કે જ્યાં પેન્ક્રિયાઝની ટ્યુબ બાઈલ ટ્યુબ સાથે જોડાય છે તો ત્યારે પેન્ક્રિયેટાઈટીસ થાય છે જે પણ ઘાતક નીવડી શકે છે. જો પિત્તાશયની પથરી અનેક વર્ષોથી હોય તો એવી પણ શક્યતા છે કે તેનાથી ગોલ બ્લેડરનું કેન્સર થાય.

નિદાન:

સામાન્ય રીતે એબ્ડોનિમલ સોનોગ્રાફીથી પથરીનું નિદાન થાય છે અને તેનાથી લિવર, બાઈલ ટ્યુબ, પેન્ક્રિયાઝ અને તેની આસપાસના ભાગની સ્થિતિનો પણ ખ્યાલ આવે છે. કેટલાક બ્લડ ટેસ્ટ કરવાથી અન્ય મદદરૂપ માહિતી પણ મળે છે. જો નિદાનમાં સ્પષ્ટતા ન હોય અથવા શંકાસ્પદ કોમ્પ્લિકેશન્સ હોય તો સીટી સ્કેન કરવું જરૂરી છે. એમઆરઆઈ કે ઈયુએસ(એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ) બાઈલ ટ્યુબમાં નાની પથરી હોવાની આશંકા હોય ત્યારે કરવામાં આવે છે.

સારવાર:

  • પિત્તાશયની પથરીની સારવાર દરેક વ્યક્તિ માટે વ્યક્તિગત રીતે કરવી પડે છે. લક્ષણોવિહિન પિત્તાશયની પથરી કે જેનું નિદાન આકસ્મિક રીતે થાય છે તેમાં સારવારની જરૂર નથી અને તેમાં માત્ર કાઉન્સેલિંગ અને ઓબ્ઝર્વેશનની જરૂર પડે છે.
  • એવા દર્દીઓ કે જેમને સતત લક્ષણો જોવા મળે છે તેમના માટે સલાહભર્યુ છે કે તેઓ પિત્તાશય દૂર કરાવે અને ત્યાં સુધી ખાનપાન માટેની સલાહને અનુસરે. એવા દર્દીઓ કે જેમને મ્યુકોસીલ, એક્યુટ એટેક, એમ્પિયેમા, ગેંગ્રિન છે અથવા પિત્તાશય ફાટી ગયું છે, તેમણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ, ઈન્ટ્રાવિનસ એન્ટીબાયોટીક્સ લેવા જોઈએ અને પિત્તાશયની પથરી સાથે પિત્તાશય દૂર કરવાની સર્જરી કરાવવી જોઈએ. ઓપરેશન સામાન્ય રીતે લેપ્રોસ્કોપિક રીતે નાના કાપાની ટેકનીકથી કરવામાં આવે છે જેનાથી રિકવરી ઝડપથી આવે છે.
  • જો પથરીઓ બાઈલ ટ્યુબમાં પણ હોય તો પ્રથમ તેને એન્ડોસ્કોપ (ઈઆરસીપી)થી દૂર કરવાની રહે છે અને પછી ગોલ બ્લેડરની સર્જરી કરવામાં આવે છે, જે હોસ્પિટલમાં દાખલ હોય ત્યારે જ અથવા તો પછીથી પણ કરી શકાય છે.
  • જો પેન્ક્રીયાટાઈસિસ હોય તો એ સારું રહેશે કે તેને પ્રથમ સબસાઈડ કરવામાં આવે, આંતરડામાંથી પથરી પસાર ન થાય તો એન્ડોસ્કોપથી બાઈલ ટ્યુબ સાફ કરવી પડે છે અને પછી પિત્તાશયને દૂર કરવામાં આવે છે.
  • જે પિત્તાશય દૂર કરવામાં આવે છે તેને બાયોપ્સી માટે મોકલવામાં આવે છે જેથી કેન્સરની શક્યતા વિશે જાણી શકાય. જો ગોલ બ્લેડર કેન્સરની શક્યતા અગાઉ જણાય કે ઓપરેશન વખતે જણાય કે જો તે બાયોપ્સીમાં જોવા મળે તો તેના પછી કેન્સર પ્રોટોકોલ અનુસાર સારવાર શરૂ કરાય છે અને તે માટે લાંબા ગાળાનું સૌથી ઉત્તમ પરિણામ સુનિશ્ચિત કરવા સ્પેશિયાલિસ્ટ સેન્ટર ની મદદ લેવામાં આવે છે.

અટકાવવા માટે:

ઓછી ચરબીયુક્ત ખોરાક, થોડું પણ અનેકવાર ભોજન, સ્વસ્થ માત્રામાં વજન જાળવવું, અચાનક વજન ઘટાડવાથી દૂર રહેવું, નિયમિત રીતે આરોગ્ય તપાસથી પિત્તાશયની પથરીને રોકી શકાય છે અથવા વહેલી તકે તેની ભાળ મેળવી શકાય છે.

ડો. ચિરાગ જે. દેસાઈ,

એમએસ, ડીએનબી, એફઆરસીએસ (એડીન), એફઆરસીએસ (ગ્લાસ્ગ) યુકે

ચીફ કન્સલ્ટન્ટ અને પ્રોગ્રામ ડિરેક્ટર,
જીઆઈ વિભાગ, એચપીબી અને લિવર ટ્રાન્સપ્લાન્ટેશન,
અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ.
M: +919824037254, Email: drchiragdesai@yahoo.com

Call Us Now08069991037 Book ProHealth Book Appointment

Request A Call Back

Close